સાળંગપુર બાદ હવે બોટાદનું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં: હનુમાનજી નીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી મૂર્તિઓના ફોટા વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફોટા-વિડીયોમાં જોવા મળે છે કે એક વૃક્ષ નીચે બે મૂર્તિઓ મૂકવામાં આવી છે. એક પથ્થર પર નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) બેઠા છે અને તેમની સામેના પથ્થર પર હનુમાનજી બેઠા છે. હનુમાનજીના હાથમાં ફળાહારની થાળી છે.
સાળંગપુર ખાતે બજરંગબલીની ‘કિંગ ઑફ સાળંગપુર’ મૂર્તિ નીચે લગાવવામાં આવેલાં હનુમાનજીનાં વિવાદિત ભીંતચિત્રોને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ વિરોધ થઇ રહ્યો છે ત્યાં હવે વધુ એક સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. બોટાદ સ્થિત કુંડલ સ્વામિનારાયણ પરિસરમાં હનુમાનજી અને નીલકંઠવર્ણી મહારાજની મૂર્તિઓના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેમાં હનુમાનજી નીલકંઠવર્ણીને ફળાહાર કરતા દર્શાવવામાં આવ્યા છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ સ્થિત સંસ્થાનું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફોટા-વિડીયોમાં જોવા મળે છે કે એક વૃક્ષ નીચે બે મૂર્તિઓ મૂકવામાં આવી છે. એક પથ્થર પર નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) બેઠા છે અને તેમની સામેના પથ્થર પર હનુમાનજી બેઠા છે. હનુમાનજીના હાથમાં ફળાહારની થાળી છે. સાથે એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે- શ્રીનીલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા હનુમાનજી મહારાજ.
સોશિયલ મીડિયામાં આ તસ્વીરો પોસ્ટ કરીને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હનુમાનજીના અપમાન સામે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ, સાળંગપુર મંદિરનો વિવાદ હજુ પણ શાંત પડ્યો નથી અને હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવતાં ચિત્રો હટાવવાની માંગ કરવામાં આવી રહી છે.
આ વિવાદ બાદ ગુજરાતનો સંત સમાજ પણ આગળ આવ્યો છે અને હનુમાનજીના અપમાન સામે અવાજ ઉઠાવ્યો છે. મોરારી બાપુથી મંદીને હર્ષદ ભારતી બાપુ, શેરનાથ બાપુથી માંડીને અન્ય સંતોએ એકસૂરે કહ્યું કે હનુમાનજીનું અપમાન ચલાવી લેવામાં નહીં આવે અને સૌએ આ અંગે બોલવું જોઈએ. બીજી તરફ, બ્રહ્મસમાજે આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપીને કહ્યું છે કે જો આ ચિત્રો નહીં હટાવવામાં આવે તો આંદોલન કરવામાં આવશે. આ સાથે વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોએ પણ ચિત્રો હટાવવાની માંગ કરી છે.
શું છે સાળંગપુર મંદિરનો વિવાદ?
નોંધનીય છે કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થયા હતા. વાયરલ થયેલા તે ફોટામાં ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
આ મામલે સનાતન ધર્મ સેવા સમિતિના કાર્યકરોએ ભાવનગરના શિહોર પોલીસ મથકે એક અરજી આપીને ફરિયાદ કરી છે કે જ્યારે તેમણે આ મામલે સાળંગપુર મંદિરના સંતોની મુલાકાત લીધી હતી, ત્યારે સંતોએ તેમને કહ્યું હતું કે, “ભગવાન સહજાનંદ સ્વામીની સેવામાં મહાદેવ અને મહાબલી હનુમાનજી 24 કલાક ખડેપગે હાજર રહેતા હતા.” તેમણે સંતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, આ અંગે પોલીસ તરફથી કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યાં છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.
No comments