હેપ્પી રક્ષાબંધનઃ ભાઈઓ નહીં, બહેનો આપે છે ભાઈને આ અમૂલ્ય ભેટ
રક્ષાબંધનનો તહેવાર બાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. બહેન ભાઈને રાખડી બાંધી તેની રક્ષાની કામના કરે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે. રક્ષા ઘણી રીતે થતી હોય છે ત્યારે શ્રેષ્ઠ રક્ષા એ કોઈનું આરોગ્ય સુરક્ષિત કરવું અને તેને નવું જીવન આપવું કહેવાય. આવી જ રક્ષા બહેનોએ ભાઈઓની કરી છે. રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં કિડની ડોનેટ કરી નવી જિંદગી આપવામાં ભાઈઓ કરતાં બહેનો અગ્રેસર છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ જેટલા અરસામાં 24 બહેનોએ ભાઈને કિડની દાન કરી નવું જીવન બક્ષ્યું છે, જ્યારે પાંચ ભાઈઓએ બહેનને કિડની આપી છે.
અમદાવાદના સિવિલ કેમ્પસની કિડની ઈન્સ્ટિટયૂટમાં આ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. હોસ્પિટલ સૂત્રોએ કહ્યું કે, વર્ષ 2019માં કુલ 10 બહેનોએ ભાઈને કિડની આપી હતી, એ જ રીતે વર્ષ 2020માં 2, વર્ષ 2021માં 9, વર્ષ 2022માં 2 અને વર્ષ 2023ના આઠ મહિનામાં 1 કિસ્સામાં બહેને ભાઈને કિડની આપીને જીવ બચાવ્યો છે જ્યારે ભાઈએ વર્ષ 2019માં 1, વર્ષ 2021માં 2 અને વર્ષ 2022 અને 2023ના અરસામાં એક-એક કિસ્સામાં કિડની ડોનેટ કરી છે. કિડની ફેઈલ થઈ હોય તેવા કિસ્સામાં નિયમિત ડાયાલિસિસ કરાવવું પડે છે. ડાયાલિસિસથી બચવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ અપાતી હોય છે. કિડની મળે અને ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યારે જે તે દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. આ પ્રકારના કિસ્સામાં ભાઈ-બહેન એકબીજાના જીવ બચાવવામાં ઉપયોગી થયા છે. જીવિત વ્યક્તિના અંગો લેવા ન પડે અને બ્રેઈનડેડ થયેલી વ્યક્તિના અંગોથી જરૂરિયાતમંદ દર્દીઓંનેને કિડની સહિતના અંગો મળી રહે તે દિશામાં રાજ્ય સરકારે પ્રયાસો કરી રહી છે.
No comments