સીમા હૈદર આઈએસઆઈની એજન્ટ હોઈ શકે
પાકિસ્તાનથી ભાગીને ભારત
આવી ગયેલી ચાર સંતાનોની સીમા ગુલામ હૈદર અને ભારતીય યુવક સચિન સિંહની લવ સ્ટોરી
ક્રાઈમ-સ્પાય થ્રીલર જેવી બનતી જાય છે. પાકિસ્તાનના સિંધમાં રહેતી ચાર સંતાનોની
માતા સીમા પબજી ગેઈમ રમતાં રમતાં સચિનના પ્રેમમાં પડી ગયેલી એવો દાવો કરે છે.
સીમા અને સચિને સાથે
જીવવા-મરવાના સોગંદ ખાધા અને નેપાળના કાઠમંડુમાં એક વાર મળ્યા પછી સીમા પાકિસ્તાન
પાછી જતી રહી. એ પછી સીમા પૂરી તૈયારી કરીને ચાર સંતાનો સાથે નેપાળ આવી. નેપાળથી
ઉત્તર પ્રદેશની સરહદે થઈને ભારતમાં ઘૂસી અને લગભગ બે મહિનાથી પ્રેમી સચિન સાથે
ગ્રેટર નોએડામાં રહેતી હતી ત્યાં ઝડપાઈ ગઈ.
સીમા અને સચિનની પોલીસે
ધરપકડ કરી પછી કોર્ટે તેમને જામીન આપી દેતાં બંને અત્યારે તો બહાર આવી ગયેલાં છે
પણ ભારતની એજન્સીઓ ધંધે લાગેલી છે. ભારતીય એજન્સીઓને સીમા ગુલામ હૈદર પાકિસ્તાનની
જાસૂસી સંસ્થા આઈએસઆઈની જાસૂસ તો હોવાની આશંકા હોવાથી એ દિશામાં તપાસ કરવા પોલીસે
સીમા, સચિન
અને સચિનના પિતા નેત્રપાલ સિંહની ધરપકડ કરીને ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પણ
કોર્ટે તેમને જામીન આપી દેતાં બંને બહાર આવી ગયાં છે.
પોલીસ અને બીજી એજન્સીઓ
સીમાની પૂછપરછ કરી રહી છે ને સત્ય સુધી પહોંચવા મથી રહી છે. આ પૂછપરછમાં સીમા
પોતાની દુ:ખભરી કહાની સંભળાવી રહી છે ત્યાં પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠનો વચ્ચે
કૂદી પડ્યાં છે. ૧૧ જુલાઈએ બલૂચિસ્તાનના એક આતંકી સંગઠને વીડિયો બહાર પાડીને
ભારતને ધમકી આપી હતી કે, સીમા અને તેના ચાર બાળકોને પાકિસ્તાનને પાછાં સોંપવામાં
નહીં આવે તો પાકિસ્તાનમાં હિન્દુઓ અને અન્ય બિન-મુસ્લિમોને તેનું ખરાબ પરિણામ
ભોગવવું પડશે. હાથમાં મશીનગન સાથેના આતંકવાદીએ સીમા હૈદરને પાકિસ્તાન સોંપી દેવા
માટે અઠવાડિયાનું અલ્ટિમેટમ પણ આપેલું.
આ ધમકીની ચર્ચા ચાલુ છે
ત્યાં મુંબઈ પોલીસને સીમાના મુદ્દે ૨૬ નવેમ્બર, ૨૦૧૧ જેવા આતંકવાદી હુમલાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા માણસે
પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને કહ્યું કે, સીમા હૈદર પાકિસ્તાન પાછી નહીં આવે તો ભારત બરબાદ થઈ જશે.
ભારતમાં ૨૬ નવેમ્બર, ૨૦૧૧ જેવો હુમલો ફરી થશે.
આપણી તપાસ એજન્સીઓ
પહેલેથી સીમા આઈએસઆઈની એજન્ટ છે કે નહીં તેની તપાસમાં ગૂંચવાયેલી છે ત્યાં હવે
આતંકવાદી હુમલાની ધમકી મળતાં બધા દોડતા થઈ ગયા છે. આતંકવાદી હુમલાની ધમકી આપતો ફોન
કોઈએ મજાક મજાકમાં કર્યો હોય તો પણ તેને ગંભીરતાથી લેવો જ પડે. આ વાત દેશની એને
લોકોની સુરક્ષાની જ નહીં પણ દેશની પ્રતિષ્ઠાની પણ છે તેથી તપાસ એજન્સીઓએ આ ધમકીની
તપાસ કરવી જરૂરી છે જ.
આ તપાસમાં શું બહાર આવશે
એ ખબર નથી પણ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા રૂપકડી
યુવતીઓ દ્વારા ભારતીયોને ફસાવવાની ઘટનાઓ વિશે સાંભળીએ છીએ એ જોતાં આ ઘટનાને
ગંભીરતાથી લેવી જોઈએ. સીમા હૈદરની સ્ટોરી શંકાસ્પદ છે એ જોતાં ભારતીય એજન્સીઓ કોઈ
ચાન્સ ના લઈ શકે.
સીમાની સ્ટોરીમાં ઘણી વાતો
એવી છે કે જેનો સંતોષકારક જવાબ મળતો નથી. તેના કારણે સીમા ભારતમાં રેકી કરવા કે
બીજા મિશનથી આવી હોય એવી શંકા પેદા થાય છે.
સીમાનો દાવો છે કે તે
પબજી ગેમ રમતાં રમતાં નોએડામાં રહેતા સચિનના સંપર્કમાં આવી હતી. પહેલાં તેણે
કહેલું કે પોતે ૨૦૧૯માં સચિનના સંપર્કમાં આવી પણ પછી ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, પોતે ૨૦૨૦માં પબજી રમવાનું શરૂ કર્યું.
સીમાએ જ કહ્યું છે કે, પહેલાં મારી પાસે બટનવાળો બેઝિક ફોન હતો. ૨૦૨૦માં પહેલી વાર
ટચસ્ક્રીન મોબાઈલ મળ્યો પછી ઈન્ટરનેટનો ઉપયોગ શરૂ કર્યો. ખાનગીમાં ઈન્સ્ટાગ્રામ
અને ટિકટોક પર વીડિયો મૂકતી ને દીકરા સાથે ઓનલાઈન ફ્રી ફાયર રમતી. એ વખતે જ પબજી
ગેમ વિશે ખબર પડી એટલે મારિયા ખાનના નામે એક એકાઉન્ટ બનાવ્યું. એક દિવસ સચિન તરફથી
ગેમ રમવાની રિક્વેસ્ટ આવી. ગેમ રમતી વખતે અમે ચેટ કરતાં ખબર પડી કે, સચિન ભારતનો છે. અમે નંબર એક્સચેન્જ કર્યા અને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ પર જોડાયા. સચિને જ મને ભારત વિશે કહ્યું, હિન્દી શીખવી અને અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયાં.
સચિન સાથેની મુલાકાતનો સમય વિરોધાભાસી છે એ શંકાસ્પદ છે.
સીમાનો એવો દાવો છે કે, છ મહિના પહેલાં એટલે કે માર્ચમાં સચિન નેપાળના કાઠમંડુ
આવ્યો ત્યારે સીમા પણ વાયા શારજાહ કાઠમંડુ આવી હતી. બંને સાત દિવસ સુધી હોટેલમાં
સાથે રહ્યાં પછી સીમા પાછી પાકિસ્તાન જતી રહેલી.
સીમાએ ઈન્ટરવ્યૂમાં
કહ્યું છે કે, પતિએ
ફોન પર તલ્લાક આપ્યા પછી તેના પિતાએ તેની અને બાળકોની સંભાળ લીધી છે. પોતે રહે છે
એ ગામમાં મહિલાઓ પર ઘણા પ્રતિબંધો છે. પોતે બહાર જઈને કામ પણ નથી કરી શકતી. આખો
દિવસ ઘરે રહીને બાળકોની સંભાળ રાખું છું.
સવાલ એ છે કે, જે યુવતી કંઈ કામ કરતી નથી, કશું કમાતી નથી ને પિતા પર સંપૂર્ણપણે નિર્ભર છે તેની પાસે
શારજાહ થઈને કાઠમંડુ આવવાના પૈસા ક્યાંથી આવ્યા? સીમાનો દાવો છે કે, પોતાની એક જમીન વેચી તેમાંથી આવેલા ૧૨ લાખ રૂપિયાની મદદથી
પોતે હમણાં કાઠમંડુ પહોંચેલી. કાઠમંડુથી એ ઉત્તર પ્રદેશની સરહદેથી સચિન પાસે નોએડા
આવી ને નોએડામાં સચિન સાથે રહેતી હતી. આ દાવો પણ શંકાસ્પદ છે કેમ કે પાકિસ્તાનમાં
તો સ્ત્રીઓ પતિ કે પિતા સહિત કોઈ પુરૂષની મંજૂરી વિના સંપત્તિનું વેચાણ ના કરી શકે
એવો કાયદો છે.
સીમા પોતે પાંચ ધોરણ
ભણેલી હોવાનો દાવો કરે છે પણ કડકટાડ અંગ્રેજી બોલે છે એવું કહેવાય છે. સીમા આવું
અંગ્રેજી બોલતાં કઈ રીતે શીખી એ પણ સવાલ છે.
સીમાની સ્ટોરીમાં ઘણા બધા શંકાસ્પદ સવાલો છે ને ભારત તો
આઈએસઆઈની હની ટ્રેપની હરકતથી બરાબર દાઝેલું છે એ જોતાં સાવધાની જરૂરી છે. દૂધનો
દાઝ્યો છાસ પણ ફૂંકીને પીવે એ હિસાબે સીમાના કેસમાં પણ સંતોષકારક જવાબો ના મળે
ત્યાં લગી તમામ તપાસ કરવી જ જોઈએ..
No comments