આપણું ગુજરાત
શનિવારની એ તબાહીના દૃશ્યો જૂનાગઢવાસીઓ ક્યારેય નહીં ભૂલે
July 23, 2023
એતિહાસિક શહેર એવા જૂનાગઢે શનિવારે મેઘરાજાનું જે સ્વરૂપ જોયું તે તેઓ લગભગ ક્યારેય નહીં ભૂલે. લોકોએ લગભગ આવી આફત નજીકના વર્ષોમાં ક્યારેય જોઈ નથી. જે રીતે શહેરના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થયા હતા, મૂંગા જીવો નજર સામે તણાતા હતા અને વાહનો રમકડાની જેમ તરતા હતા તે જોતા પાણીનો પ્રવાહ કેટલો જોરદાર હશે તે સમજી શકાય છે. જોકે આવી સ્થિતિમાં પણ પોલીસ સહિતની એજન્સી લોકોની મદદે આવી હતી અને લગભગ 900 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડયા હતા.
આજે જ્યારે પાણી ઓસરી ગયા છે ત્યારે નુકસાનીનો અંદાજ લગાવી શકાય છે. નીચાણવાળા વિસ્તારમાં ઘરવખરી જ નહીં ઘરની દીવાલો પણ પૂરમાં જતી રહી છે.
જૂનાગઢ શહેરમાં અને ગિરનાર ઉપર શનિવારે 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતા કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. બેથી ત્રણ કલાકમાં જ વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જૂનાગઢ શહેરમાંથી પસાર થતા કાળવા વોકળાનું પાણી શહેરના રહેણાક વિસ્તારોમાં ઘૂસી ગયું હતું. લોકોના ઘરની કીમતી સામગ્રી, અનાજ, ઈલેક્ટ્રિક ઉપકરણો સહિતની વસ્તુઓ પાણીમાં પલળી ગયેલી હાલતમાં જોવા મળ્યા છે. ભારેખમ વાહનો પણ પૂરનાં પાણીમાં તણાઈ ન જાય તે માટે લોકોએ દોરડાથી બાંધેલાં હોવાનું અમુક જગ્યાએ દેખાયું હતું. કલાકોથી ભૂખ્યા તરસ્યા લોકોની મદદે કેટલાક સેવાભાવી ભાઈઓ પણ પહોંચેલા જોવા મળ્યા હતા.
જોકે શનિવારે જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદમાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક લોકો ઘરોમાં ફસાયા હતા. ત્યારે જૂનાગઢ પોલીસ લોકોની વ્હારે આવી હતી અને અનેક લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. જૂનાગઢ શહેરના ગણેશનગર વિસ્તારમાં ફસાયેલી એક ગર્ભવતી મહિલા અને તેમના પરિવારજનોને પોલીસે ધમસસતા પાણીની વચ્ચેથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. વંથલી પોલીસ સ્ટેશનના વડલા ફાટક પાસે પણ શ્રમિક પરિવાર પોતાના ઘરમાં માતાજીની મૂર્તિને મૂકીને ઘર છોડવા માગતા ન હોય પોલીસે તેની આસ્થાનું ધ્યાન રાખી લોકોની સાથે માતાજીની મૂર્તિને પણ સલામત સ્થળે ખસેડી હતી.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કલેક્ટર દ્વારા કલમ 144નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 24 જુલાઈએ રાત્રિ સુધી લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરનાં પ્રવાસન સ્થળો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. લોકોને ડેમ અને ચેકડેમથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
No comments