ટ્રાવેલિંગ
આ છે ભારતનું સૌથી ધનવાન ગામડું, એક વખત તો મુલાકાત લેવા જેવી છે…
ગામડું કહીએ એટલે આંખો સામે તરવરી ઉઠે ધૂળિયા રસ્તા, ચોક પર નિરાંતે ગપ્પા મારી રહેલાં વૃદ્ધો, રસ્તામાં રમતાં બાળકો અને માથે બેડલાં લઈને પાણી ભરવા નીકળેલી ગામની મહિલાઓ… પણ આજે અમે તમારા મનમાં રહેલી ગામની આ ઈમેજને ભૂંસીને એક નવી જ ઈમેજ બનાવવા જઈ રહ્યા છીએ અને એ માટે આપણે પહોંચી જવું પડશે ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા ધર્માજ ગામે. આ ગામ એ ભારતનું સૌથી ધનવાન ગામ છે અને આ વાતનો અંદાજો એ પરથી લગાવી શકાય એમ છે કે 11,333ની વસતી ધરાવતા આ ગામમાં 13થી વધુ અલગ અલગ મોટી મોટી બેંકોની હાજરી જોવા મળે છે.
છેલ્લાં અનેક દાયકાઓથી ગામના એનઆરઆઈ લોકોએ પોતાની મહેનતની કમાણી સ્થાનિક બેંકો અને પોસ્ટમાં ઈન્વેસ્ટ કરી હોઈ 2014માં આ ગામમાં 1,000 કરોડથી વધારાની સંપત્તિ એકઠી થઈ હતી અને એની સાથે સાથે જ ધર્માજ ગામે ભારતના સૌથી ધનવાન ગામનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
આ ગામમાં ઐશ્વર્ય અને ભવ્યતા ગામવાસીઓની રહેણીકરણીમાંથી દેખાઈ આવે છે. આ ગામના રસ્તા પર ફરતી સરસ મજાની લક્ઝુરિયસ કાર પર નજર પડ્યા વિના રહેતું નથી. ગામની વ્યક્તિ પોતાના રાજ્યના વિકાસ અને પ્રગતિ માટે પોતિકાપણાથી કામ કરે છે.
એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ તો આ ગામમાં સરકારી શાળાઓની સાથે સાથે જ નામાંકિત રેસિડેન્શિયલ સ્કૂલ પણ છે. ગામમાં એક તરફ જ્યાં જૂના પદ્ધતિના ઘરો જોવા મળે છે તો બીજી બાજું હાઈટેક ટેક્નોલોજીથી બનાવવામાં આવેલી ઈમારતો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગામમાં મોટાભાગની વસતી પાટીદાર સમાજની જોવા મળે છે અને એ સિવાય ગામમાં બ્રાહ્મણ અને પછાત જાતિના લોકો પણ હળીમળીને રહે છે.
ધર્માજ ગામની સૌથી મોટી વિશેષતા વિશે વાત કરીએ તો એ છે આ ગામની સમૃદ્ધિ એમાં પણ સૌથી મહત્ત્વની વાત કરવાની થાય તો આ ગામ કોઈ પણ પ્રકારની સરકારી મદદ વિના પ્રગતિ અને વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પરદેશમાં સ્થાયી થયેલાં લોકો પોતાના ગામના વિકાસ અને પ્રગતિ માટે પૈસા મોકલાવે છે.
No comments