હેલ્થ ઇઝ વેલ્થ
પહેલાં વરસાદની સાથે ધરતી ભીંજાતા મીઠી મીઠી સોડમ ચારેકોર પ્રસરે છે. માનો કે ધરતીને ખ્યાલ આવી ગયો હોય છે, કે હવે તેને શૃંગાર સજવાનો સમય આવી ગયો છે. મેઘરાજાની પધરામણીની સાથે લીલીછમ ચાદર છવાઈ જતી હોય છે. રંગબેરંગી પુષ્પો ખીલી ઊઠતાં હોય છે. ધરતી પોતાનું રૂપ નીખારવાની સાથે માનવીને સ્વાસ્થ્ય સંબંધિત અનેક ભેટ-સોગાદ આપતી હોય છે. આજે આપણે જે ભાજીની વાત કરીએ છીએ તે છે ‘કલમી ભાજી’. ધરતી ઉપર રહેલાં જીવને તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ કલમી ભાજી ઊગી નીકળે છે. તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કલમી ભાજીના સ્વાદમાં આપણાં દેશની માટીની એક અદ્ભુત સોડમ છુપાયેલી જોવા મળે છે. આહારતજજ્ઞો આ ભાજીને એક સુપરફૂડની શૃંખલામાં મૂકે છે.
કલમી ભાજીનેે ‘વૉટર સ્પીનેચ’ તરીકે ઓળખવામાં આવે છે. તેની પ્રકૃતિ ઠંડી જોવા મળે છે. ઉત્તર ભારતની આ મુખ્ય ભાજી ગણાય છે. તે ‘નારી સાગ’ તરીકે ઓળખાય છે. વરસાદની મોસમમાં તળાવના કિનારે ઊગી નીકળતી આ ભાજીનો ઉપયોગ પશ્ર્ચિમ બંગાળમાં ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યાં કર્મી કે કલમીના નામે વધુ પ્રચલિત છે.
કરમ સાગ કે બોરેકોલના નામથી ઓળખવામાં આવે છે. ક્રૂસ પરિવારની સાથે સંબંધ ધરાવે છે. આહારમાં સમાવવા માટેના તેના ગુણો વિશે જાણકારી મેળવી લઈએ.
ભૂમધ્ય સાગરીય ક્ષેત્રમાં પાકતી આ ભાજીનો ઉપયોગ વિશ્ર્વભરમાં કરવામાં આવી રહ્યો છે. કલમી ભાજી ફ્લાવર, બ્રોકોલી, બ્રસેલ્સ જેવા શાકભાજી કે જે ઓલેરાસિયા પ્રજાતિના ગણાય છે. જેમાં ખાસ પ્રકારની માટીનો સ્વાદ આવતો હોય છે. સ્વાદમાં થોડી કડવાશ જોવા મળે છે. કર્લી કેલ, ટસ્કન કેલ, લાલ કેલ જેવી વિવિધ પ્રકારની વેરાયટી જોવા મળે છે. પ્રત્યેકનો એક આગવો સ્વાદ તથા વિશિષ્ટતા જોવા મળે છે. વિટામિન ખનીજ તથા ઍન્ટિઓક્સિડન્ટની ભરપૂર માત્રા ધરાવે છે. કલમી ભાજીમાં વિટામિન એ, સી, તથા ઈની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ફોલેટ, કૅલ્શિયમ , પોટેશિયમ તથા ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. બીટા કેરોટિન, લ્યૂચિન તથા જૈક્સૈંથિન જેવા ઍન્ટિ ઓક્સિડન્ટ સારી માત્રામાં સમાયેલાં છે. ફ્લેવોનોઈડ, કૈરોટીનોઈડનું પ્રમાણ જોવા મળે છે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીમાં આ ભાજીનો ઉપયોગ લાભદાયક ગણાય છે.
—
કલમી ભાજી હૃદયને તંદુરસ્ત રાખવામાં ગુણકારી
ભરપૂર માત્રામાં ફાઈબર, પોટેશિયમ, ઍન્ટિ-ઓક્સિડન્ટ ધરાવતી આ ભાજીનો ઉપયોગ હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી કૉલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. પોટેશિયમ શુદ્ધ લોહીના પરિભ્રમણને વધારવામાં મદદ કરે છે. કલમીમાં ઍન્ટિ ઓક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં હોવાથી શરીરના વિવિધ ભાગોમાં જોવા મળતાં સોજા તથા તેને કારણે થતાં દુખાવામાં રાહત આપે છે.
—
પાચન ક્રિયાને સુધારવામાં મદદરૂપ
ફાઈબરની ભરપૂર માત્રા ધરાવતી કલમી ભાજી કબજિયાતની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે અત્યંત લાભકારક ગણાય છે. આ ભાજીના નિયમિત ઉપયોગ થકી પાચનતંત્રની કામગીરીમાં ઝડપી સુધારો જોવા મળે છે. આંતરડાંમાં રહેલા ગુણકારી બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે.
—
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે
કલમી ભાજીમાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. લોકો ચોમાસામાં પાણીજન્ય બીમારીના શિકાર ઝડપથી બની જતાં હોય છે. જેનું મુખ્ય કારણ રોગપ્રતિકારક શક્તિ નબળી જોવા મળે છે. શરીરની તંદુરસ્તી વધારવા માટે વિટામિન એ, વિટામિન કે તથા આયર્નની ભરપૂર માત્રા ધરાવતી કલમી ભાજીના સેવનથી શરીરમાં પોષક તત્ત્વોની માત્રા મજબૂત બને છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
—
હાડકાંના સ્વાસ્થ્ય માટે ગુણકારી
કલમીની ભાજીમાં વિટામિન કે, કૅલ્શિયમ, મેંગ્નેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. હાડકાંને પર્યાપ્ત માત્રામાં પોષણ તત્ત્વો મળી રહેવાથી તેમાં સાંધામાં ખનિજિકરણની માત્રા સારા પ્રમાણમાં મળી જાય છે. ઓસ્ટિયોપોરોસિસ, ફ્રેક્ચર જેવાં જોખમની સામે શરીર મજબૂત બને છે. કલમીના પાનનું શાક, ભજિયા, સલાડ, જ્યૂસ બનાવીને પી શકાય છે. કલમીની ભાજીનું શાક પ્રમાણભાન રાખીને ખાવું જોઈએ. કેટલીક વ્યક્તિને આ ભાજીના શાકની એલર્જી પણ થઈ શકે છે. વરસાદની મોસમમાં ગરમાગરમ બટાટાવડા કે દાળવડા તો અચૂક ખાતા હોઈએ છીએ. ચાલો આજે શીખી લઈએ કલમી વડાની નવી વાનગી.
—
ડાયાબિટીસમાં ગુણકારી
કલમી ભાજીમાં કાર્બોહાઈડ્રેટની માત્રા નહીવત જોવા મળે છે. ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું જોવા મળે છે. આથી આ ભાજીનો ઉપયોગ આહારમાં કરવાથી ડાયાબિટીસના દર્દીઓને માટે અનુકૂળ ગણાય છે. લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઈન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે.
—
કલમી વડા બનાવવાની રીત
સામગ્રી: ૧૦૦ ગ્રામ કલમીની ભાજી, ૧ મોટો કપ મસૂરની દાળ, ૧ મોટો ચમચો ચણાનો લોટ, ૧ નંગ ઝીણો સમારેલો કાંદો, ચપટી હિંગ, ૪-૬ નંગ લીલા મરચાં અધકચરાં વાટેલાં, ૧ મોટો ટુકડો આદું, તળવા માટે તેલ, સ્વાદાનુસાર મીઠું.
બનાવવાની રીત: મસૂર દાળને બરાબર ધોઈને પલાળી રાખવી. દાળને ૪-૬ કલાક પલાળ્યા બાદ અધકચરી વાટી લેવી. મિશ્રણમાં કાપેલી કલમીની ભાજી, ચણાનો લોટ, આદું-મરચાં, કાંદો, હિંગ તથા મીઠું ભેળવીને બરાબર હલાવી લેવું. મિશ્રણમાં ગરમ કરેલું તેલ ૨ ચમચી ઉમેરવું. કડાઈમાં તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં વડા તળી લેવા. સોનેરી રંગના થાય એટલે બહાર કાઢી લેવા. કોથમીર ફુદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસવા.
—
આંખોના સ્વાસ્થ્ય માટે ગુણકારી
લ્યૂટિન તથા જેક્સૈન્થિનની હાજરીને કારણે આંખોના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં ઉપયોગી ગણાય છે. આંખમાં ખાસ પ્રકારના ધબ્બા કે મોતિયાબિંદુથી બચાવમાં લાભકારક બને છે
No comments